દુર્ઘટના@અમદાવાદ: કન્સ્ટ્રક્શન સાઇટ પર 14મા માળેથી પટકાતાં શ્રમિકનું દર્દનાક મોત

 
ઘટના

બેદરકારી અને સુરક્ષાના સાધનોના અભાવને લઈને ગંભીર સવાલો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં એક બાંધકામ સાઇટ પર ગંભીર દુર્ઘટના સામે આવી છે. શેલા સ્થિત માર્વેલા કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા એક નિર્દોષ શ્રમિકનું ઊંચાઈ પરથી નીચે પટકાતાં ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે બિલ્ડર તંત્રની બેદરકારી અને સુરક્ષાના સાધનોના અભાવને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાનો વતની કેસરમલ મીના નામનો શ્રમિક બિલ્ડિંગના 14મા માળે ફ્લોરિંગનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક સંતુલન ગુમાવતાં તે સીધો 14મા માળેથી નીચે જમીન પર પટકાયો હતો.

આકાશ આંબતી ઊંચાઈ પરથી પટકાતાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. દુર્ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ મૃતક કેસરમલ મીનાના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ ગંભીર બનાવ બન્યા બાદ બિલ્ડર અને સાઇટ મેનેજમેન્ટની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. ઘટનાસ્થળે વાસ્તવિકતા જાણવા પહોંચેલા મીડિયાકર્મીઓને સાઇટ પર જતાં રોકવામાં આવ્યા હતા. બિલ્ડર દ્વારા બાંધકામ સાઇટના મુખ્ય દરવાજા બંધ કરી દીધા હતા જેથી સુરક્ષાની ખામીઓ છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

શ્રમિકના મોત બાદ કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોની સેફ્ટીને લઈને અનેક સવાલો ઉદભવી રહ્યા છે. 14મા માળે કામ કરતા શ્રમિકને નિયમ મુજબ સેફ્ટી હાર્નેસ અને યોગ્ય લાઇફલાઇન આપવામાં આવી હતી કે કેમ? ખુલ્લી જગ્યાઓ પર ગાર્ડ રેલ અને સલામતી માટે સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી કે નહીં? જો તમામ સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ હતી, તો શ્રમિક આટલી ઊંચાઈ પરથી નીચે કેવી રીતે પટકાયો? બોપલ પોલીસ દ્વારા આ તમામ ટેકનિકલ અને કાયદાકીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.