દુર્ઘટના@ભરૂચ: વાગરા GIDCમાં ફાર્મા પ્લાન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરુચ જિલ્લામાંથી કાળજુ કંપાવતી દુર્ઘટના સામે આવી છે. વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્મા કેમ પ્રાઈવેટ લિમિટેડ નામની એક ફાર્મા કંપનીમાં મોડી રાતે 15 હજાર લિટરની ક્ષમતા ધરાવતા રિએક્ટરમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બની હતી. જેના કારણે 5 શ્રમિકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અન્ય 6ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. માહિતી અનુસાર મોડી રાતે અચાનક જ પ્રચંડ ધડાકો થતાં સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને જાણે કોઈ મોટો ભૂકંપ આવ્યો હોય તે રીતે ધરા ધ્રૂજી ગઈ હતી. લગભગ આજુબાજુના 15 કિ.મી. જેટલા વિસ્તારમાં આ ધડાકાનો અવાજ સંભળાયો હતો. લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.
હાલમાં ઘાયલ શ્રમિકોની સારવાર ભરુચની એપીએક્સ હોસપિટલમાં ચાલી રહી છે. જ્યારે મૃતકોના મૃતદેહોને ભરુચની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. શુક્રવારે મોડી રાતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ હતી. ધડાકો એટલો તીવ્ર હતો કે મશીનરીના પાર્ટ્સ અને ફેક્ટરીના શેડનો કૂચડો બોલાઈ ગયો હતો. આજુબાજુની વસતીના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

