દુર્ઘટના@ગાંધીનગર: છત્રાલ GIDCની કંપનીમાં ગરમ કેમિકલની પાઈપ ફાટતાં 4 કામદારોના કરુણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરના છત્રાલ GIDCની કેમિકલ કંપનીમાં કંપનીમાં ગરમ કેમિકલની પાઈપ ફાટતાં 4 કામદારોના મોત નીપજ્યા છે. દુર્ઘટનાને પગલે પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.કલોલ તાલુકામાં આવેલી છત્રાલ GIDCના ફેઝ 4માં 'કોવીકા ડાયસ એન્ડ ઇન્ટરમિડીયેટ' નામની કેમિકલ કંપનીમાં 70 થી 80 ડિગ્રી સેલ્સિયસ જેટલાં તાપમાન ધરાવતા ગરમ કેમિકલની પ્રોસેસ ચાલી રહી હતી.
જેમાં કેટલાક કામદારો કેમિકલની પાઈપ ફીટ કરવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે એટલાંમાં ભારે પ્રેશરના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પાઈપ ફાટતાં ગરમ કેમિકલ કામદારોના શરીર પર પડતાં 4 કામદારોના ઘટનાસ્થળે કરૂણ મોત થયા છે. દુર્ઘટનાને પગલે સ્થાનિક પોલીસ, ફાયર બિગ્રેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે. બીજી તરફ, કંપનીમાં કામદારોની સુરક્ષા માટેના સાધનો સહિતની બાબતે બેદરકારી દાખવવાના મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

