દુર્ઘટના@હિંમતનગર: પ્રોટેક્શન વોલ સાથે અથડાઈને પાણીમાં ખાબકતા 2 યુવકોના કરૂણ મોત

 
ઘટના
એકને બચાવવા જતા બીજો યુવક પણ પાણીમાં ડૂબ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હિંમતનગરના કાંકણોલ નજીક અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર થયેલા એક ગંભીર અકસ્માતમાં 2 યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. માહિતી મુજબ, હાઇવે પર વાહન ચલાવતી વખતે અકસ્માત સર્જાતા પ્રોટેક્શન વોલ સાથે અથડાઈને એક યુવક ઉછળીને સીધો નીચે પાણીમાં ખાબક્યો હતો.તેને બચાવવા માટે ગયેલા બીજા યુવક પણ પાણીની ઊંડાઈમાં ડૂબી ગયા હતા.

સમયસર મદદ ન મળવાને કારણે પાણીમાં ડૂબી જવાથી બંને યુવકોના કમકમાટીભર્યા મોત થયા હતા.મૃતક યુવકો પૈકી એક યુવક ગામડી ગામનો રહેવાસી હતો અને તે પોતાના મિત્ર સાથે જાદરના મેળામાં જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જ આભ ફાટ્યા જેવી આ કુદરતી અને આકસ્મિક આફતે બે પરિવારોના યુવાન દીકરાઓનો ભોગ લીધો છે, જેના કારણે મૃતકના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ પાણીમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. સ્થાનિક પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગેની વધુ તપાસ શરૂ કરી છે.