દુર્ઘટના@કચ્છ: બેફામ ડમ્પરે બે શિક્ષિકાઓને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કરુણ મોત

 
ઘટના
થોડા સમય અગાઉ પણ ત્રણ નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છના માર્ગો પર યમદૂત બનીને બેફામ દોડતા ભારેખમ ડમ્પરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પૂરઝડપે દોડતા આ ડમ્પર ચાલકોને કાયદા કે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેવો ઘાટ સર્જાયો છે. હાજીપીર તરફ જતા માર્ગ પર ઢોરો ગામ નજીક વધુ એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બેફામ ડમ્પરે અડફેટે લેતા બે નિર્દોષ શિક્ષિકાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

28 નવેમ્બરે (શનિવાર) સવારે બે શિક્ષિકાઓ પોતાની ફરજ પર જવા માટે હાજીપીર રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ઢોરો ગામ પાસે કાળ બનીને આવેલા એક બેકાબૂ ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. બન્ને શિક્ષિકાઓ ડમ્પરના ટાયરમાં આવી જતા ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યા હતા. બે શિક્ષિકાઓના અકાળે અવસાનથી શિક્ષણ જગત અને તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આ જ વિસ્તારમાં થોડા સમય અગાઉ પણ બેફામ ડમ્પરની અડફેટે ત્રણ નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અગાઉના એ ભયાનક અકસ્માતના ઘા હજુ રૂઝાયા પણ નથી ત્યાં ફરી એકવાર રસ્તા પર નિર્દોષોનું લોહી રેડાયું છે. વારંવાર બનતી આવી જીવલેણ ઘટનાઓ છતાં સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે.

ડમ્પરથી થતા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, રેતી અને ખનીજ માફિયાઓની મીઠી નજર હેઠળ આ ડમ્પરો નિયમોને નેવે મૂકીને ઓવરલોડ અને બેફામ ગતિએ દોડી રહ્યા છે. સ્થાનિકોનો સવાલ છે કે, શું હજુ વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાશે ત્યારે જ તંત્ર અને પોલીસની આંખ ખુલશે.હાલ તો ઉશ્કેરાયેલા ગ્રામજનોએ આ માર્ગ પરથી પસાર થતા બેફામ ડમ્પરો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાની અને જવાબદાર ડમ્પર ચાલક તેમજ માલિક સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માગ ઉઠાવી છે.