દુર્ઘટના@પાટણ: સાંતલપુરમાં વીજળી પડતાં પશુપાલકો પર મોટી આફત, 35 ઘેટાંનાં મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસેલા વરસાદ વચ્ચે વૌવા ગામે કુદરતી આફત ત્રાટકી છે. મોડી રાત્રે ઘેટાંના ખુલ્લા વાડા પર અચાનક આકાશી વીજળી પડતાં કુલ 35 નિર્દોષ ઘેટાંનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. પાટણ જિલ્લામાં મોસમ પલટાતા વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. આ દરમિયાન સાંતલપુર તાલુકાના છેવાડે આવેલા વૌવા ગામમાં મોડી રાત્રે અચાનક વીજળી ત્રાટકતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.
ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરિવારો જ્યારે નિંદ્રાધીન હતા ત્યારે આકાશી પ્રકોપે પશુપાલકોના આશિયાના અને રોજીરોટી પર સીધો ઘા કર્યો હતો.વીજળીનો પ્રચંડ અવાજ અને ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસના ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. જોતજોતામાં વાડામાં બાંધેલા ઘેટાં તરફ નજર કરતાં માલધારી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.આ અણધારી આપત્તિમાં ગામના બે ગરીબ પરિવારોના પશુધનનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. બંને પશુપાલકો પોતાના ઘર પાસે કાંટાળા વાડા બનાવી ઘેટાંને રાત્રિ દરમિયાન પૂરતા હતા.બનાવની જાણ થતાં જ વૌવા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે આ ગંભીર બાબતે તાલુકા વહીવટી તંત્ર અને મામલતદાર કચેરીને સત્તાવાર જાણ કરી હતી.
માહિતી મળતાં જ પશુપાલન વિભાગના પશુ ચિકિત્સકોની ટીમ વૌવા ગામે પહોંચી હતી. અધિકારીઓએ મૃત પશુઓની ગણતરી કરી સ્થળ પર જ જરૂરી કાયદાકીય અને વહીવટી પંચનામાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પશુઓના પોસ્ટમોર્ટમ અને વિજળીના દાઝવાથી થયેલા મોતના સત્તાવાર અહેવાલો તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

