દુર્ઘટના@રાજસ્થાન: રોડનિર્માણના કાર્ય વખતે 11000 વૉલ્ટનો કરંટ લાગતા 8 શ્રમિકોના કરુણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં રોડનિર્માણના કાર્ય વખતે એક મશીન હાઈ વૉલ્ટેજ લાઈનના સંપર્કમાં આવી જતાં 8 શ્રમિકો મોતને ભેટ્યા છે. માહિતી અનુસાર 5 શ્રમિકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવી દીધા હતા જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર હતી. જેમની સારવાર દરમિયાન મૃત્યુ થયાની પુષ્ટી થઈ હતી. આ ઘટના બાદથી વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો અને માહોલ પણ ગમગીન થઈ ગયો હતો. ઘટના વાયુવેગે ફેલાતા જ ગામના લોકો એકઠા થઇ ગયા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના છાપોલી વિસ્તારના કદમ કુંડ તરફ જતા રોડ પર બની હતી. રોડ પર કપચી પાથરતું મશીન અચાનક જ 11000 વૉલ્ટની વીજલાઈનને અડી ગયું હતું જેના લીધે કરંટ ફેલાઈ ગયો હતો અને શ્રમિકો એની લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે કોઈને બચવાનો મોકો જ ના મળ્યો અને ઘટનાસ્થળે એક સાથે આટલી લાશો જોઈને કરુણ દૃશ્યો સર્જાયા હતા. હાલ આ મામલે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

