દુર્ઘટના@રાજકોટ: પૂરપાટ ઝડપે દોડતી ઓડીએ 3 લોકોને કચડ્યા, 2નાં કરુણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આપાગીગાના ઓટલા પાસે ગત રાત્રે નવેક વાગ્યાના અરસામાં કાળ બનીને ધસી આવેલી કાળા રંગની ઓડી કારે ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 40 વર્ષીય અર્ચનાબેન જોષી અને તેમનાં 70 વર્ષીય માતા નયનાબેન દીક્ષિતનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે ભાઈ વિકાસકુમાર દીક્ષિતને ગંભીર ઈજાઓ પહોંચતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો અનુસાર, ખેડબ્રહ્મા ખાતે રહેતા પરમભાઈ અશ્વિનભાઈ જોષી પોતાના માતા-પિતા, નાની અને મામા સાથે મામાની વેગનઆર કારમાં અમદાવાદથી રાજકોટના કુવાડવા ખાતે ગયા હતા. ત્યાં તેમના મોટા ભાઈ હર્ષિલને આર્યવીર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે ડિગ્રી એનાયત કરવાનો કાર્યક્રમ હોવાથી પરિવાર આ ખુશીના પ્રસંગમાં સહભાગી બન્યો હતો.
ત્યારબાદ પરિવાર વીરપુર દર્શન કરવા ગયા હતા અને ગોંડલ તથા કાગવડ ખાતે રોકાણ કર્યા બાદ પરત ખેડબ્રહ્મા જવા નીકળ્યો હતો.આ દરમિયાન રાત્રે આશરે નવ વાગ્યે આપાગીગાના ઓટલા ખાતે પ્રસાદ જમવા માટે પરિવારની કાર રસ્તાની સાઈડમાં ઊભી રાખવામાં આવી હતી. જ્યાં મામા વિકાસકુમાર, માતા અર્ચનાબેન અને નાની નયનાબેન રોડ ક્રોસ કરી રહ્યાં હતાં ત્યારે અમદાવાદ તરફથી પૂરઝડપે આવેલી કાળા રંગની ઓડી કારના ચાલકે ત્રણેયને જોરદાર ટક્કર મારતા રોડ પર ફંગોળાઈ ગયાં હતાં. જેમાં અર્ચનાબેન અને નયનાબેનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત મામા વિકાસકુમારને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરિયાદના આધારે પોલીસે ઓડી કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

