દુર્ઘટના@રાજકોટ: ચેકડેમમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી મોત

 
રાજકોટ
ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કુવાડવા ગામ નજીક વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર પાસે આવેલા ચેકડેમમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા કુવાડવા ગામનાં એક જ પરિવારના પાંચ વ્યક્તિમાંથી પિતા પુત્ર અને એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા હતા.

કુવાડવા નજીક આવેલા ચેકડેમમાં પાંચ યુવકો ડૂબ્યા હોવાની ધીરેન્દ્રસિંહ નામના યુવકે જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ડેમમાંથી એક આધેડ અને બે યુવાનને બહાર કાઢી ૧૦૮ બોલાવી હતી. જેના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.પોલીસની તપાસમાં મૃતકોમાં નયન ધીરૂભાઇ ચૌહાણ (ઉ.વ. ૨૩), પિતા ધીરૂભાઇ ભલાભાઇ ચૌહાણ (ઉ.વ. ૫૦) અને નરેન્દ્ર મગનભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૦, રહે. કુવાડવા ગામ) હોવાનું જાણવા મળ્યું હતું. તેની સાથેના બે યુવકોને તરતા આવડતું હોવાથી બન્ને બહાર નીકળી ગયા હતા. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.