દુર્ઘટના@સુરત: કારની અડફેટે આવતા અઢી વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત

 
ઘટના
બાળકના શરીર પર કારનું ટાયર ફરી વળ્યું

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રસ્તા કિનારે રમી રહેલા એક શ્રમિક પરિવારના માસૂમ બાળક પર પૂરપાટ ઝડપે આવી રહેલી કારનું ટાયર ફરી વળતાં બાળકનું ભયાનક અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે અને શ્રમિક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વેસુ વિસ્તારમાં શ્રમિક પરિવારનો માત્ર 2.5 વર્ષનો માસૂમ બાળક ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન એક મહિલા ચાલકે બેફામ રીતે કાર હંકારીને રમતા બાળક પર ચડાવી દીધી હતી.

અકસ્માત સર્જાતા જ બાળકના શરીર પર કારનું ટાયર ફરી વળ્યું હતું. લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરતી મહિલા કારચાલકને ઘટનાસ્થળે એકઠા થયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઝડપી પાડી હતી. ઘટના અંગે જાણ થતાં જ વેસુ પોલીસ નો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને લોકોના કબજામાંથી મહિલા કારચાલકની સત્તાવાર અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ, પુત્ર ગુમાવનારા પીડિત શ્રમિક પરિવારે હૈયાફાટ રૂદન સાથે આરોપી મહિલા ચાલક સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ કરી છે.