દુર્ઘટના@જામનગર: ધ્રોલમાં સ્કૂલની જૂની બિલ્ડીંગ થઈ ધરાશાયી, બે બાળકો દટાયા, એકનું મૃત્યુ
હાલ બાળકની હાલત ગંભીર હોવાની વિગતો મળી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ જામનગર હાઇવે પર આવેલ ધ્રોલમાં આવેલ નુરી હાઈસ્કૂલની સામે આવેલ સમાજ કલ્યાણ સંચાલિત જુની કુમાર છાત્રાલયની દિવાલ પડતા ચાર બાળકો દબાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જેમાં એક બાળકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે એક બાળકીની હાલત ગંભીર હોવાની જાણકારી મળી છે. તેમજ અન્ય બે બાળકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ જામનગર હાઇવે પર આવેલ ધ્રોલમાં નૂરી હાઇસ્કુલ સામે વણકર સમાજની જુની કુમાર છાત્રાલયની દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં ચાર બાળકો દટાયા હોવાની જાણ થતા પોલીસ બે જેટલા જેસીબી તેમજ બે જેસીબી સાથે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. બંને બાળકોને બહાર કાઢવા આવ્યા છે. અન્ય બેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જેસીબીઓ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફાયરના જવાનો પણ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે.
સુત્રો તરફથી માહિતી મળી છે કે, ચાર બાળકોમાંથી એક બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે.ફાયરના જવાનો દ્વારા બે બાળકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક બાળકને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ બાળકની હાલત ગંભીર હોવાની વિગતો મળી છે. ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાળકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.