દુર્ઘટના@ખેડા: મકાનની જર્જરિત દીવાલ અચાનક તૂટી પડતાં 2 મહિલાઓનાં મોત, બાળકોનો બચાવ

 
ઘટના
સમગ્ર ગામ અને પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેસ ગામે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નેસ ગામના વાળંદ ફળિયામાં આવેલું એક મકાન અચાનક ભારે વરસાદ કે અન્ય કારણોસર ધરાસાઈ થઈ ગયું હતું. મકાનની જૂની અને જર્જરિત દીવાલ અચાનક રાત્રિના સુમારે તૂટી પડતાં આખું મકાન કાટમાળ નીચે દબાઈ ગયું હતું.આ દુર્ઘટના ઘટી ત્યારે મકાનની અંદર કુલ પાંચ લોકો સૂતા હતા. આ ગંભીર દુર્ઘટનામાં સાસુ પુનમબેન વાળંદ અને તેમની પુત્રવધૂ સોહમબેન વાળંદનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમત ઉઠાવીને દીવાલનો કાટમાળ ખસેડ્યો હતો અને અંદર ફસાયેલા પાંચેય સભ્યોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં પરિવારના મોભી પ્રવીણભાઈ તેમજ 13 વર્ષની સગીરા નિશા અને 8 વર્ષની માસૂમ બાળકી આરોહીનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી 13 વર્ષની નિશા અને 8 વર્ષની આરોહીને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની તબિયત પર નજર રાખવામાં આવી રહી છે. એક જ પરિવારની બે મહિલાઓના અચાનક મૃત્યુને કારણે સમગ્ર ગામ અને પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.