દુર્ઘટના@કોલકાતા: ગોડાઉનનો વિશાળ શેડ અચાનક ધરાશાયી થતાં 60 મજૂરો દટાયા, બચાવ કામગીરી શરૂ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોલકાતાના તારાતલ્લા વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બુધવારે બપોરે અહીં એક નિર્માણાધીન ગોડાઉનનો વિશાળ શેડ પત્તાના મહેલની જેમ અચાનક તૂટી પડ્યો હતો. આ કરુણ અકસ્માત સમયે ત્યાં આશરે 50 થી 60 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા, જેઓ પલકવારમાં જ કાટમાળના પહાડ નીચે ફસાઈ ગયા છે.
ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પ્રશાસનની સાથે ભારતીય સેનાને પણ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશનમાં ઉતારવામાં આવી છે. લોકોના જણાવ્યા અનુસાર, ગોડાઉનમાં રોજની જેમ બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક આખું માળખું ધરાશાયી થઈ ગયું હતું. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
સૂચના મળતાની સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.કાટમાળ નીચેથી અત્યાર સુધીમાં 6 થી 7 શ્રમિકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. લોખંડના ભારે બીમને કાપવા માટે ગેસ કટર અને કાટમાળ હટાવવા માટે વિશાળ ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. કાટમાળ નીચે હજુ પણ દબાયેલા મજૂરોનો અવાજ સંભળાઈ રહ્યો છે, જેના કારણે બચાવ ટીમો અત્યંત સાવધાનીપૂર્વક કામ કરી રહી છે.
રાજ્ય સરકારે સ્થિતિ પર નજર રાખવા માટે મુખ્ય મથક 'નવાન્ન' ખાતે તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. ઘટનાની જાણ થતાં જ રાજ્યના મંત્રી ઇન્દ્રનીલ ખાં અને ભાજપના નેતા રાકેશ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે અત્યારે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા કાટમાળ નીચે ફસાયેલા લોકોના જીવ બચાવવાની છે.

