દુર્ઘટના@કોટા: રાજસ્થાનમાં શિવ શોભાયાત્રા દરમિયાન સર્જાઇ મોટી દુર્ઘટના, કરંટ લાગતા 14 બાળકોને હોસ્પિટલ ખસેડાયા

 
રાજસ્થાન
શિવ શોભાયાત્રા દરમિયાન કરંટ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજસ્થાનના કોટામાં મહાશિવરાત્રિ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં શોભાયાત્રા દરમિયાન બાળકોને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે. બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક બાળકની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઉર્જા મંત્રી હીરાલાલ નાગર અને પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

કુન્હાડી થર્મલ ચોક પાસેથી પસાર થતી શિવ શોભાયાત્રા દરમિયાન કરંટ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. 14 બાળકોને કરંટ લાગતા તેમને એમબીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળકોના હાથ-પગ અને શરીરના અમુક ભાગ દાઝી ગયા હતા. તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત બાળકોની મુલાકાત લઇને તેમને જાણાવ્યું કે, 'તમામ બાળકો સ્વસ્થ રહે તે માટે ડોક્ટરની એક ટીમ લગાવવામાં આવી છે. સારવાર લઇ રહેલા બાળકો નાની ઉંમરના છે, જેમાં એક બાળકની હાલત ગંભીર જોવા મળી રહી છે.

હોસ્પિટલને સૂચના આપવામાં આવી છે કે બાળકોની સારવારમાં કોઇ કમી ન રહેવી જોઇએ. જરુર પડશે તો બાળકોને રીફર કરીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે.'આ ઘટના થર્મલ પાવર પ્લાન્ટ નજીક કાલી બસ્તીમાં બની હતી.મહાશિવરાત્રિ  દરમિયાન શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ સામેલ હતા. બાળકોના હાથમાં ધજાઓ હતી. આ દરમિયાન ઉપરથી પસાર થતી હાઇ ટેન્શન લાઇન સાથે એક ધજા અડી ગઇ હતી. આ પછી કરંટ સ્થળ પર જ ફેલાઇ ગયો હતો.