દુર્ઘટના@કચ્છ: ટેમ્પોમાં ડીઝલની ટાંકી ફાટતાં જોરદાર બ્લાસ્ટ, 2 બાળકો સહિત 4ના મોત

 
દુર્ઘટના
એક જ પરિવારના સભ્યો હોવાની આશંકા વચ્ચે સમગ્ર વિસ્તારમાં અરેરાટી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર નજીક એક મીની ટેમ્પોમાં રહેલી ડીઝલની ટાંકીમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થતાં ગંભીર દુર્ઘટના ઘટી છે. આ ભયાનક ધડાકામાં બે માસૂમ બાળકો અને તેમના પિતા સહિત કુલ 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. એક જ પરિવારના સભ્યો હોવાની આશંકા વચ્ચે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક વિગતો મુજબ, મામદ ઈલિયાસ કુંભાર અને તેનો સગો નાનો ભાઈ નૂરમામદ ઈલિયાસ કુંભાર મીની લોડીંગ ટેમ્પોમાં ભંગારની ફેરીનો ધંધો કરતા હતા. આજે (22 ઓગસ્ટ) મામદ અને તેનો ભાઈ ગામમાં ફેરી કરીને મીની ટેમ્પોમાં ભંગાર એકઠો કરીને સાંજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં ટેમ્પોમાંથી તેઓ ભંગાર ખાલી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ટેમ્પોની ડીઝલની ટાંકીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે હાજર બે બાળકો સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.