દુર્ઘટના@કડી: પિતાએ ટ્રક રિવર્સ લેતા તેમની જ નજર સામે જ 19 વર્ષીય જુવાનજોધ પુત્રનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની સીમમાં એક કાળજું કંપાવી દેનારી ગોઝારી ઘટના બની છે. એક કંપનીમાં માલ ખાલી કરવા આવેલા રાજસ્થાની પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, જ્યારે પિતા ટ્રક રિવર્સ લઈ રહ્યા હતા ત્યારે તેમની જ નજર સામે 19 વર્ષીય જુવાનજોધ પુત્ર ટ્રક પાછળ કચડાઈ જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા દેવારામ ચૌધરી ટ્રક ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 19 વર્ષીય પુત્ર મુકનારામ પણ પિતાને કામમાં મદદ કરવા તેમની સાથે જ રહેતો હતો.
આ બાપ-દીકરો જેસલમેરથી ટ્રક (નંબર RJ-19-GE-3165)માં માલસામાન ભરીને કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની સીમમાં આવેલી 'ગ્રીનફિલ્ડ ડેરિવેટિવ્ઝ પ્રાઈવેટ લિમિટેડ' કંપનીમાં અનલોડિંગ માટે આવ્યા હતા. જ્યારે કંપનીમાં ટ્રકમાંથી માલ ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ટ્રક ચાલક પિતા દેવારામભાઈ ટ્રકને રિવર્સ લઈ રહ્યા હતા, જ્યારે તેમનો પુત્ર મુકનારામ પાછળ ઉભો રહીને ટ્રકને સાઈડ આપી રહ્યો હતો. આ દરમિયાન દીવાલ અને અનલોડિંગ સ્ટેન્ડની વચ્ચે એક લોખંડનું સ્ટેન્ડ પડ્યું હતું, જેને ખસેડવા માટે મુકનારામ ત્યાં ગયો હતો. આ સમયે પિતા દેવારામભાઈનું ધ્યાન ન રહેતા તેમણે ટ્રક રિવર્સ લેવાનું ચાલુ રાખ્યું હતું.
પળવારમાં જ મુકનારામ દીવાલ, લોખંડના સ્ટેન્ડ અને ટ્રકના પાછળના ભાગની વચ્ચે આવી ગયો હતો. ટ્રક વચ્ચે દબાઈ જવાથી તેને શરીરે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પુત્રની બૂમાબૂમ સાંભળી પિતાએ તુરંત ટ્રક રોકી નીચે ઉતરીને જોયું તો પુત્ર લોહીલુહાણ હાલતમાં ફસાયેલો હતો. ગંભીર ઈજાઓને કારણે 19 વર્ષીય મુકનારામનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

