દુર્ઘટના@મહીસાગર: મકાનની દીવાલ ધરાશાયી થતાં 2 અને 4 વર્ષના બે બાળકોના કરૂણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહિસાગર જિલ્લામાં વિરપુર તાલુકાના ખાટા ગામે એક દુર્ઘટના સામે આવી છે. સમગ્ર જિલ્લામાં જામેલા વરસાદી માહોલ વચ્ચે આજે એક રહેણાંક ઘરની કાચી દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાટમાળ નીચે દબાઈ જવાથી બે માસૂમ સગા બાળકોના નીપજેલા કરૂણ મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મકાનની કાચી દીવાલ પાણીથી ધોવાઈને અત્યંત જર્જરિત થઈ ગઈ હતી. ઘરમાં બે નાના બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આ દીવાલ ધડાકાભેર ધસી પડી હતી. જેમાં 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરના બે માસૂમ બાળકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
ધડાકાનો અવાજ સાંભળીને પરિવારજનો અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને બંને બાળકોને બહાર કાઢ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે બંને બાળકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. પોતાના કાળજાના ટુકડા જેવા વહાલસોયા બાળકોને આંખ સામે ગુમાવી દેતા પરિવારજનોના કરૂણ આક્રંદથી આખું ગામ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ વિરપુર પોલીસનો કાફલો ત્વરિત બનાવ સ્થળે પહોંચી ગયો હતો.

