દુર્ઘટના@મોરબી: હળવદ તાલુકામાં ભારે વરસાદને પગલે ટ્રેક્ટર પલટી, 17 લોકો તણાયા
Aug 26, 2024, 09:58 IST
7 લોકોનો કોઈ અતોપતો નથી જેમની શોધખોળ ચાલી રહી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે મોરબીથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ સામે આવી રહ્યા છે. મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી ઝવેરીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે હળવદ તાલુકાના ધાવાના ગામે એક કોઝ વે પરથી પસાર થતું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. પાણીના ભારે વહેણને લીધે આ ટ્રેક્ટર તણાઈ ગયું હતું જેના લીધે 17 જેટલા લોકો પાણીના વહેણમાં વહી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના પગલે લગભગ 10 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે હજુ પણ 7 લોકોનો કોઈ અતોપતો નથી જેમની શોધખોળ ચાલી રહી છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર હજુ પણ આ મામલે બચાવ કામગીરી ચાલી રહી છે અને ગુજરાત સરકાર દ્વારા અમને દરેક મદદના આશ્વાસન આપવામાં આવી રહ્યું છે.