દુર્ઘટના@પંચમહાલ: બે ખાનગી લક્ઝરી બસો વચ્ચે ગંભીર અકસ્માત, બે મહિલાના કમકમાટીભર્યા મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક કંકુથકભલા પાસે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે ખાનગી લક્ઝરી બસો સામસામે ટકરાઈ હતી, જેના પરિણામે બે મહિલા મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.અકસ્માતમાં બસમાં સવાર આશરે 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોડી રાત્રે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તો પૈકી પાંચ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સઘન સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. એક ખાનગી લક્ઝરી બસ રાજકોટથી મધ્યપ્રદેશ તરફ જઈ રહી હતી, જ્યારે બીજી ખાનગી બસ દાહોદ તરફથી આવી રહી હતી. આ બંને બસો કંકુથકભલા નજીક ટકરાતાં અકસ્માતનો ભયાનક બનાવ બન્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે.

