દુર્ઘટના@પાટણ: વાગડોદ પાસે બે બાઈકો સામસામે અથડાતા ગંભીર અકસ્માત, રોડ પર ફંગોળાયેલા બે યુવકોના મોત

 
અકસ્માત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામ નજીક રાત્રી દરમિયાન બે બાઈકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બાઈકો ધડાકાભેર અથડાતા ચાલકો ફંગોળાઈ રસ્તા ઉપર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બે લોકોના મોત થયાં હતા. બાઈકમાં સવાર અન્ય એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પાટણ ડીસા હાઈવે ઉપર વાગડોદ ગામ નજીક રાત્રે બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝાબડીયા ગામના 24 વર્ષિય યુવક ઠાકોર કિરણસિંગ ભેમસિંગ અને સરસ્વતિ તાલુકામાં ખોડાણાં ગામના ચેતનજી ચમનજી ઠાકોર બંને યુવકો બાઇક લઇ પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન સામસામે અગમ્ય કારણોસર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. બંને બાઈકો પુરઝડપે અથડાતા બાઇક ચાલક બંને યુવકો સહિત ખોડાણાં વાળાં યુવક પાછળ બેઠેલ મહિલા ત્રણેય રસ્તા ઉપર પટકાયા હતા. જેમાં બાઈક ચાલક બંને યુવકોને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

મહિલાને ગંભીર ઈજા પહોંચતાં સ્થાનિક લોકોની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવતા જીવ બચી જવા પામ્યો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા રસ્તા ઉપર એકત્ર થઈ જતા તાત્કાલિક મહિલાને સારવાર અર્થે ખસેડાઈ હતી. ઘટનાના પગલે વાગડોદ પોલીસ દોડી આવી બંને મૃતક યુવકોને પીએમ માટે નજીકના વાગડોદ અને જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.