દુર્ઘટના@પાટણ: સરસ્વતી નદીના ધસમસતા પ્રવાહમાં ત્રણ યુવતી ડૂબી, બેના મોત

 
ઘટના
 દુર્ઘટનાને કારણે મુડાણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણના સિદ્ધપુરના મુડાણા ગામે સરસ્વતી નદીમાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતી ડૂબી હતી. જેમાં બેના મોત થયા છે. એને એક યુવતીનો બચાવ થયો છે, સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મુક્તેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં ત્રણેય ડૂબી હતી. જેથી દુર્ઘટના બની છે.મુડાણા ગામની રહેવાસી બે સગી બહેનો, સજનાબેન છનાજી ઠાકોર (ઉંમર 19) અને કાજલબેન છનાજી ઠાકોર (ઉંમર 22), તેમની સાથે કાજલબેન વનરાજજી ઠાકોર (ઉંમર 15) નામની એક સગીરા નદી કિનારા તરફના વિસ્તારમાં ગયા હતા.નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે ત્રણેય પાણીમાં તણાઈને ડૂબવા લાગી હતી. જેમાંથી બેના મોત થયા છે, જ્યારે એકનો બચાવ થયો છે.

આ ઘટનામાં સજનાબેન છનાજી ઠાકોર અને કાજલબેન વનરાજજી ઠાકોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે કાજલબેન છનાજી ઠાકોરનો આબાદ બચાવ થયો છે. જેને વધુ સારવાર માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે મુડાણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.સિદ્ધપુર પાસેથી પસાર થતી સરસ્વતી નદીમાં છેલ્લા ઘણા દિવસોથી મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા લોકોને નદી કિનારાના વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે, તેમ છતાં યુવતીઓ નદી કિનારા તરફ ગઈ હતી અને આ દુર્ઘટના સર્જાઈ.