દુર્ઘટના@પાવાગઢ: ડુંગર પરથી પથ્થર ધરાશાયી થતાં બે યાત્રિકોના મોત, અનેક ઘાયલ

 
દુર્ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પથ્થરો નીચે ગબડવાના કારણે કેટલાક શ્રદ્ધાળુઓ તેની નીચે દબાઈ ગયા હોવાની ઘટના ઘટી છે. જેમાં અત્યાર સુધીમાં બે યાત્રિકોના મોત નીપજ્યા છે અને તેમના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે કાટમાળ નીચે ફસાયેલા પાંચ જેટલા લોકોને હાલોલ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.

પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ડુંગર પર વરસાદી પાણીનો પ્રવાહ અત્યંત વેગવંતો હોવાના કારણે પહાડ પરથી પથ્થરો અને ભેખડ ધસી પડી હતી અને બરાબર પાટિયાપુલ નજીકથી પસાર થઈ રહેલા યાત્રિકો તેની ચપેટમાં આવી ગયા હતા. પથ્થરોનો મોટો કાટમાળ નીચે ધસી આવતા દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ ડુંગર પર કાર્યરત રોપ-વેની ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમ અને ફાયર વિભાગની તાત્કાલિક ધોરણે તમામ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી દીધી છે. કાટમાળ નીચે ફસાયેલા પાંચ જેટલા લોકોને ફાયર વિભાગની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યૂકરીને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે પાવાગઢ પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.