દુર્ઘટના@રાજસ્થાન: બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 5 લોકોના અરેરાટીભર્યા મોત

 
અકસ્માત

આ ઘટના એટલી ગંભીર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજસ્થાનના  કરૌલીમાં આજે સવારે બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મૃતક પરિવાર વડોદરાનો હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર રાજસ્થાનમાં મંદિરે દર્શન કરી પરત વડોદરા ફરી રહ્યો હતો.ત્યારે કરૌલી પાસે કાળમુખો અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની આ ઘટના એટલી ગંભીર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તેમજ આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતકોમાં સામેલ લોકો ઈન્દોરના વતની હતા પણ હાલમાં આ પરિવાર વડોદરામાં સ્થાયી થયો હતો. જેમાં નયન કુમાર દેશમુખ, પત્ની અનીતા, દીકરો ખુશદેવ, દીકરી મનસ્વી અને સંબંધી પ્રીતિ ભટ્ટ તરીકે ઓળખ થઈ છે. આ બધા લોકોની ઓળખ તેમના આધારકાર્ડના આધારે જાહેર કરાઈ હતી. કરૌલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર રમેશ મીણાએ જણાવ્યું હતું કે, "કરૌલી ગંગાપુર રોડ પર કાર અને બસ વચ્ચેની ટક્કરમાં 5 લોકોના મોત થયા છે. તમામ મૃતકો એક જ પરિવારના છે. તેઓ કૈલાદેવીના દર્શન કરી રહ્યા હતા ત્યારે બસમાં સવાર 15 લોકો ઘાયલ થયા હતા.