દુર્ઘટના@રાજકોટ: જર્જરિત મકાન ધરાશાયી થતાં કટમાળ નીચે દબાવાથી 1 વ્યક્તિનું કરુણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીના રામજી મંદિર ચોક ખાતે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સતત પડી રહેલા વરસાદ વચ્ચે એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં કટમાળ નીચે દબાવાથી એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. રાજકોટમાં છેલ્લા બે દિવસથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જે દરમિયાન મોડી રાત્રે જર્જરિત મકાન અચાનક ધડાકાભેર તૂટી પડ્યું હતું. મકાન ધરાશાયી થતાં જ તેમાં છેલ્લા 40 વર્ષથી રહેતા 48 વર્ષીય અજય બેલદાર કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર વિભાગે ત્વરિત રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે અજય બેલદારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા જેસીબી મશીન મંગાવીને પડેલા મકાનનો કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચોમાસાની શરૂઆત પહેલાં જ તંત્ર દ્વારા આ જર્જરિત મકાનમાં રહેતા લોકોને સલામતીના ભાગરૂપે મકાન ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

