દુર્ઘટના@રાજકોટ: 22 વર્ષે જન્મેલી 7 વર્ષની પુત્રીનુ પિતાની નજર સામે ડમ્પરની હડફેટે આવતા કમકમાટીભર્યું મોત

 
ઘટના

દીકરીને કાળે ભરખી લેતા પરિવાર શોકાતુર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટના ટીલાળા ચોક પાસે આજરોજ સવારના સમયે કાળમુખા ડમ્પરે બાઇકને હડફેટે લેતા પિતાની નજર સામે તેની સાત વર્ષની લાડલી પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. વિધિની વક્રતા તો એ છે કે, સંતાન પ્રાપ્તી ઝંખતા દંપતિને ૨૨ વર્ષે દીકરીનો જન્મ થતાં પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. જે દીકરીને કાળે ભરખી લેતા પરિવાર શોકાતુર બન્યો છે. 150 ફૂટ રીંગ રોડ પર જશરાજનગરમાં રહેતાં આધેડ 7 વર્ષની લાડલી પુત્રીને લઈ આંટો મારવા નીકળ્યા હતાં અને કાળમુખા ડમ્પરે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતાને પણ ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે આવેલા જશરાજનગર શેરી નં.પમાં રહેતાં ભાવેશભાઈ રમણીકભાઈ વકારીયા નામના આધેડ આજે સવારે તેની સાત વર્ષની પુત્રી નૈતીને લઈ બાઈક ઉપર આંટો મારવા માટે નીકળ્યા હતાં. દરમિયાન 11 વાગ્યાના અરસામાં નવા રીંગ રોડ પર મવડી બાયપાસ પાસે ટીલાળા ચોક નજીક પહોંચતાં પુરપાટ ઝડપે આવતાં ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે બાઈકને ઠોકરે લેતાં બાઈક સવાર પિતા-પુત્રી રોડ ઉપર ફંગોળાયા હતાં અને પિતાની નજર સામે જ માસુમ પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત આધેડને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં લોધિકા પોલીસ મથકના મનોજભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. દંપતિને 22 વર્ષે પુત્રી નૈતીનો જન્મ થયો હતો. નૈતી પી.એન્ડ.બી.સ્કૂલમાં ધો.૧માં અભ્યાસ કરતી હતી. આજે સવારે પત્ની સ્કૂલમાં નોકરીએ ગયા બાદ પિતા પુત્રીને લઈ આંટો મારવા નીકળ્યા હતાં અને રસ્તામાં જ કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જતા માસુમ પુત્રીનો ભોગ લેવાયો હતો. એકની એક પુત્રીના મોતથી વણિક પરિવારમાં માતમ છવાય ગયો હતો.