દુર્ઘટના@સાબરકાંઠા: હાથરોલ નજીક કાર અને રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, 3ના કમકમાટીભર્યા મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ-રણાસણ હાઇવે પર આવેલા હાથરોલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઇવે પર મુસાફરો ભરીને જઈ રહેલી રિક્ષા હાથરોલ ગામ નજીક રિક્ષાચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે જ ટર્ન લેવાનો પ્રયાસ કરતા રિક્ષા સામેથી આવી રહેલી એક કારની અડફેટે આવી ગઈ હતી.
કાર અને રિક્ષા વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારચાલક સહિત અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

