દુર્ઘટના@સાપુતારા: 50થી વધારે યાત્રાળુઓથી ભરેલી બસ ખાબકી ખીણમાં, 5નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાંથી ભયાનક અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. ડાંગ જિલ્લામાં સાપુતારા ઘાટ પાસે ભીષણ બસ અકસ્માત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાપુતારા માલેગાંવ ઘાટમાં એક પ્રાઈવેટ બસને આ અકસ્માત નડ્યો છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. કહેવાય છે કે 50 જેટલા મુસાફરોને લઈ જઇ રહેલ આ બસ અચાનકથી ખીણમાં ખાબકી ગઈ હતી જેને લીધે આ ભીષણ દુર્ઘટના બની છે.
ચારધામની યાત્રા કરીને યાત્રાળુઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ હતી. મધ્યપ્રદેશથી ગુજરાતના ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે કેટલાક યાત્રાળુઓ આવી રહ્યા હતા ત્યારે જ સાપુતારા પાસે આ અકસ્માત સર્જાયો છે. આ લક્ઝરી બસ સાપુતારાના માલેગામ ઘાટ આચનકથી ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ એમ કુલ પાંચ મુસાફરના મૃત્યુ થયા છે. પાંચ મુસાફરો ઉપરાંત અન્ય અનેક મુસાફરોને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસ અને રાહત કામગીરીની ટીમો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી રહી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે અત્યાર સુધી પાંચ જેટલા મૃતદેહને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર માટે સરકારી સામગહાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થઈ કે તરત જ પોલીસ અધિકારી સહિત એડિશનલ કલેક્ટર પણ ત્યાં આવી ગયા હતા અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. અત્યારે ઘટના સ્થળે બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યું છે. અત્યારે તો તપાસ ચાલી રહી છે ત્યારબાદ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતનું સ્પષ્ટ કારણ હજી સુધી સામેઆવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.