દુર્ઘટના@શંખેશ્વર: હાઇવે ઉપર બે વાહનોના અકસ્માતથી આગ લાગતાં 2 વ્યક્તિ મોતને ભેટ્યા

 
આગ ની ઘટના
ગાડીમાં સવાર બે વ્યક્તિ 70 ટકાથી વધુ દાઝી જતા તેઓનું મોત થયું છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણના શંખેશ્વર નજીક આજે સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પિકઅપ વાન અને વેગનઆર ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ બન્ને વાહનોમાં અચાનક આગ લાગી હતી. જેથી બે લોકો આગમાં જીવતા સળગી ગયા હતા.

પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક આજે વહેલી સવારે કોઈ કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ગાડીઓમાં આગ ભભૂકી ઊઠી હતી. ગાડીમાં સવાર બે વ્યક્તિ 70 ટકાથી વધુ દાઝી જતા તેઓનું મોત થયું છે. આ બનાવના પગલે માર્ગ પરના લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી સાથે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે આવી હતી અને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે શંખેશ્વર-પંચાસર- દશાવાડા માર્ગ પરથી પસાર થતી વેગનઆર ગાડી અને પિકઅપ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જે બાદ બન્ને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોના ટોળાએ ગાડીમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધરી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શંખેશ્વર માર્ગ પર વહેલી સવારે બનેલ અકસ્માતની ઘટનાને  પગલે સનસનાટી મચી ગઈ હતી.