દુર્ઘટના@સુરેન્દ્રનગર: સાયલા-ચોટીલા હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો, 8 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાયલા-ચોટીલા હાઈવે પર આજે ગંભીર અકસ્માત સર્જાયો છે. સાયલા નજીક આવેલા વખતપર ગામના બોર્ડ પાસે એક પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક 8 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક મહિલા સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.બાઈક સવાર પરિવાર વખતપર ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આઈશર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે 8 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માતમાં ઘાયલ થયેલા એક મહિલા અને અન્ય બે વ્યક્તિઓને તાત્કાલિક 108 મારફતે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક સારવાર બાદ ત્રણેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

