દુર્ઘટના@વલસાડ: નિર્માણાધીન બ્રિજનું માળખું અચાનક તૂટી પડતાં 5 જેટલા શ્રમિકો દટાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલું માળખું અચાનક તૂટી પડતાં 5 જેટલા શ્રમિકો તેની નીચે દટાયા હતા. જેમાંથી ચાર શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા અને એક શ્રમિકની શોધખોળ ચાલુ છે. કૈલાશ રોડ ઉપર બની રહેલા બ્રિજના બે પિલર વચ્ચેના ભાગે માળખું ઊભું કરવામાં આવ્યું હતું.
આજે સવારે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આ માળખું તૂટી પડ્યું હતું, જેના કારણે પાંચેક જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરીને ચાર શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજી પણ એક શ્રમિકની શોધખોળ ચાલુ છે. ફાયર વિભાગ અને પોલીસની ટીમ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. આ દુર્ઘટના માળખના બાંધવામાં આવેલી નબળી ગુણવત્તા કે કામમાં બેદરકારીના કારણે સર્જાઈ છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

