દુર્ઘટના@વલસાડ: કપરાડામાં ભયાનક રોડ અકસ્માત, પીકઅપ વાન પલટી ખાઈ જતા 6 લોકોના કરૂણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વલસાડના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામે આજે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલી પીકઅપ વાન અચાનક દુર્ઘટનાનો શિકાર બની છે. આ અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત થયા છે. રસ્તામાં આવતા એક ચઢાણ પર વાન ચઢી રહી હતી ત્યારે અચાનક વાન રિવર્સ આવવા લાગી હતી અને તે જ સમયે બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બ્રેક કામ ન કરતાં વાન રિવર્સમાં આવવા લાગી હતી અને ચાલકે કાબૂ ગુમાવતા પીકઅપ વાન પલટી ખાઈ ગઈ હતી.
આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે વાનમાં સવાર અન્ય 28 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તો પૈકી 10 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

