દુર્ઘટના@વેરાવળ: આદરી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ વખતે 5 જણાને દરિયો ખેંચી ગયો, 1 લાપત્તા

 
ઘટના
દરિયાની ઉછળેલી ઊંચી લહેરોએ પાંચેય જણાને તાણી ગઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરી રહેલા પાંચ જેટલા લોકોને દરિયો ખેંચી ગયો હતો. જે પૈકી 4 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે, જ્યારે લાપતા યુવતીની શોધખોળ ચાલી રહી છે.વેરાવળના આદરી ગામમાં આવેલા રમણીય બીચ પર યુવક-યુવતીઓનું ગ્રુપ પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવા માટે આવ્યું હતુ.

આ ગ્રુપ બીચ પર ફોટોશૂટ કરી રહ્યા હતા, ત્યારે જ દરિયાની ઉછળેલી ઊંચી લહેરોએ પાંચેય જણાને પોતાની સાથે પાણીમાં ખેંચી ગઈ હતી.આ ઘટનાના પગલે બીચ પર રહેલા પ્રવાસીઓ અને ગ્રુપના અન્ય સભ્યોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ બાબતની જાણ થતાં વેરાવળ ફાયર બ્રિગેડ, પોલીસની ટીમ અને સ્થાનિક તરવૈયાઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે ભારે જહેમત બાદ દરિયાના ધસમસતા પાણીમાં જઈને 4 યુવકોને બહાર કાઢી લીધા હતા. જ્યારે યુવતી હજુ પણ પાણીમાં લાપત્તા હોવાથી તેની યુદ્ધના ધોરણે શોધખોળ ચાલી રહી છે.

પ્રાથમિક તપાસમાં લાપત્તા યુવતીની ઓળખ જ્યોતિ હરસુભભાઈ પરમાર (30) તરીકે થઈ છે. જે મૂળ માંગરોળ તાલુકાના ઢેલાણાં ગામની વતની છે. પરંતુ ઘણા સમયથી વેરાવળ તાલુકાના નવપરા ગામે રહે છે. જ્યોતિની માસીની દીકરીના લગ્ન લેવાય હોવાથી વર અને કન્યા પક્ષના લોકો આદરી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવા આવ્યા હતા.