દુર્ઘટના@વૃંદાવન: યમુના નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી હોડી પલટી જતાં 6થી વધુના મોત, 17નું રેસ્ક્યૂ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે બપોરે વૃંદાવનના પ્રખ્યાત કેસી ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી યમુના નદીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે અનેક લોકો હજુ પણ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને જોતાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી આશંકા છે. હોડી વૃંદાવન અને માન વચ્ચે મુસાફરોને લઈ જઈ રહી હતી. હોડીમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે અંદાજે 30 જેટલા લોકો સવાર હતા.
કેસી ઘાટ પાસે નદીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદાર રીતે અથડાઈ હતી અને સંતુલન ગુમાવતા નદીના ઉંડા પાણીમાં પલટી ગઈ હતી.અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં 17 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. કમનસીબે 6 લોકોના જીવ બચાવી શકાયા નથી. વહીવટીતંત્રે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.આ દુર્ઘટનામાં મોટા ભાગના શ્રદ્ધાળુ પંજાબના લુધિયાણાથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ સી.પી. સિંહે આ દુર્ઘટનાની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું કે બચાવ કાર્ય હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. DM સી.પી. સિંહે જણાવ્યું કે, આજે બપોરે અંદાજે 2.45 વાગ્યે યમુના નદીમાં અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હતો. લુધિયાણાથી અંદાજે 30 શ્રદ્ધાળુઓ મથુરા આવ્યા હતા અને તેઓ બે હોડીમાં સવાર થઈને નદીમાં ફરી રહ્યા હતા. કેસી ઘાટ પાસે આમાંથી એક હોડી ડૂબી ગઈ હતી.

