દુર્ઘટના@વર્લ્ડ: વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ ડૂબી, 15ના મોતની આશંકા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ ડૂબી છે. જેમાં 32 લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જેમાંથી 15 લોકોના મોતની આશંકા છે. જ્યારે 17 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
હનોઈમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 'થોડા કલાકો પહેલા વિયેતનામના ફૂ ક્વોક ટાપુ પાસે એક દુઃખદ ઘટનામાં કેટલાક ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ પલટી ગઈ. સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અકસ્માતનું કારણ અને બોટમાં સવાર લોકોની ચોક્કસ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.
સ્થાનિક મીડિયા દાવા મુજબ 15 લોકોના મોતની આશંકા છે. અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. સ્થાનિક સમય મુજબ શનિવારે બપોરે અંદાજે એક વાગ્યે ઓશન પિયર આઇલેન્ડ કંપની દ્વારા સંચાલિત સ્પીડબોટ હોન મે રટ નામના સ્થળેથી પ્રવાસીઓને લઈને એન થોઈ પોર્ટ તરફ જઈ રહી હતી. ફુ ક્વોક એરપોર્ટથી લગભગ 25 કિલોમીટર દૂર હોન મે રટ એન્ગવાઈ નામના સ્થળેથી આશરે 400 મીટર દૂર બોટ પલટી ગઈ હતી. સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું કે બોટમાં સવાર તમામ લોકો દરિયામાં પડી ગયા હતા.

