દુર્ઘટના@ભચાઉ: ખરોઇ પાસે લક્ઝરી બસ અને કારની ટક્કર થતા બસ પલટી, કાર ચાલકનું ઘટનાસ્થળે મોત
ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળેથી એક કિલોમીટર દૂર ખરોઇ ગામ સુધી તેનો અવાજ સંભળાયો હતો.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છના ભચાઉ તાલુકાના ખારોઇ પાસે આજે બપોરે 2 વાગ્યાની આસપાસ માર્ગ અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છેઃ, જેમાં ખાનગી ટ્રાવેલ્સની મીની લકઝરી બસ અને કાર સામસામે ધડાકાભેર અથડાઈ પડતા કાર ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે પલટી ખાઈ ગયેલી બસમાં સવાર 8 થી 10 પ્રવાસીઓને હળવાથી ભારે પ્રકારની ઇજાઓ પહોંચી છે.
બનાવના પગલે ઘટનાસ્થળે દોડી ગયેલી ભચાઉ પોલીસે લોકોની મદદ વડે ઘાયલોને સારવાર માટે ભચાઉની હોસ્પિટલમાં ખસેડયા છે.અકસ્માતની તપાસમાં ગયેલા ભચાઉના પોલીસ કોન્સ્ટેબલ આનંદ ભટ્ટનો સંપર્ક સાધતા તેમણે કાર અને લકઝરી બસ વચ્ચેની ટકકરમાં કાર ચાલકનું મોત થયું હોવાની વાતને સમર્થન આપ્યું હતું, જ્યારે અંદાજીત 5 થી 7 જેટલા લોકોને ઇજાઓ પહોંચતા ભચાઉ સરકારી હોસ્પિટલમાં લવાયા હોવાનું જણાવ્યું હતું.
મૃતક અને ઘાયલોના નામ હજુ જાણી શકાયા ના હોવાનું કહ્યું હતું. દરમિયાન સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળેથી એક કિલોમીટર દૂર ખરોઇ ગામ સુધી તેનો અવાજ સંભળાયો હતો. બનાવના પગલે લોકોની ભારે ભીડ બનાવ સ્થળે ઉમટી પડી હતી અને પલટી ગયેલી બસમાંથી બુમો પાડતા મુસાફરોને બહાર લાવવા મદદરૂપ બની હતી. હાલ ભચાઉ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.