દુર્ઘટના@ભાવનગર: બોરતળાવ બન્યું મોતનું તળાવ, એકસાથે પાંચ બાળકીઓ ડૂબી, 4 ના મોત

 
Ghatna

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગરમાં આજે બે કિશોરી સહિત 5 ડૂબી ગયા હતા. જેમાંથી એકનો બચાવ થયો છે, ચારના મોત નીપજ્યાં છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. જેના કારણે અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી માહિતી મુજબ, બોરતળાવમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ચાર બાળકોના મૃત્યુ થયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ભાવનગરની 108 દ્વારા એક જીવિત અને એક મૃત બાળકીને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાળકો ડૂબી ગયા હોય તેને કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગરના બોરતળાવમાં મફતનગર પાસે બનેલા બનાવમાં 108ના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૃતકોમાં રાશિબેન મનીષભાઈ ચારોલીયા વર્ષ 9, ઢીંગુબેન વિજયભાઈ પરમાર 8 વર્ષ, અર્ચનાબેન હરેશભાઈ ડાભી 17 વર્ષ, કોમલબેન મનીષભાઈ ચારોલીયા 13 વર્ષનાઓના મૃત્યુ થયા છે. જ્યારે એક 13 વર્ષીય કિંજલબેન મનીષભાઈ ચારોલિયાનો આબાદ બચાવ થતા તેને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવને લઈને સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે. ભાવનગરના ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 12.30 કલાકે અમને જાણ થઈ હતી તેથી અમે આવતા એક બાળક હોવાનું જણાવ્યું હતું. જો કે બાદમાં ખબર પડી હતી કે તે ઘરે પહોંચી ગયો છે. જ્યારે અન્ય પાંચ જેટલા બાળકો ડૂબ્યા હોય જેને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહિલાઓ તળાવના કાંઠે કપડાં ધોવા માટે આવતી હોય ત્યારે બાળકો પણ સાથે નાહવા માટે આવેલા જેના પગલે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.