દુર્ઘટના@ગાઝિયાબાદ: દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર સ્કૂલ વાન ડમ્પર સાથે અથડાઈ, 9 ઘાયલ, બેના મૃત્યુ

 
અકસિડન્ટ

અકસ્માતમાં સ્કૂલ વેનના ડ્રાઈવર અને એક બાળકનું મૃત્યુ નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાઝિયાબાદમાં દિલ્હી એક્સપ્રેસ વે પર આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. શાળાના બાળકોને લઈ જતી સ્કૂલ વેન એક ડમ્પર સાથે અથડાઈ હતી. પાછળથી આવી રહેલું ત્રીજું વાહન પણ આ બંને વાહનો સાથે અથડાતા પલટી મારી ગયું હતું. સ્કૂલ વેનના ડ્રાઈવર અને એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે લગભગ 9 બાળકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માત ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. કચરો લેવાનું ડમ્પર લાલકુઆનથી દિલ્હી તરફ જઈ રહ્યો હતો, તેની પાછળ એક વાન આવી રહી હતી. વાનમાં સવાર 10 સ્કૂલના બાળકો અમરોહાથી જામિયા દિલ્હી જઈ રહ્યા હતા. આ વાન વહેલી સવારે ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારમાં એક ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર તેમ જ એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે અને ઘણા બાળકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલ વેનના ટુકડા થઈ ગયા હતા. પોલીસનું કહેવું છે કે બાળકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.