દુર્ઘટના@ગુજરાત: લક્ઝરી બસ અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત,મુસાફરો સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત

 
અકસ્માત

આ બનાવની જાણ થતાં 108 એમ્બયુલન્સ ઘટનાસ્થળે પહોંચી આવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધોળકા-ખેડા હાઇવે પર સહીજ ગામના પાટિયા નજીક ગઈકાલે વહેલી સવારે રોડની સાઈડમાં ઉભેલી ખાનગી લકઝરી બસની પાછળ એસટી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઇવર અને ચાર મુસાફરો સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતના બનાવની વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલથી મધ્યપ્રદેશના રણાપુર જતી ખાનગી લકઝરી બસ નંબર GJ.03.W.9756 ધોળકા - ખેડા હાઇવે પર સહીજ ગામના પાટિયે નજીક ઉભી હતી.ત્યારે પાછળથી આવતી એસટી બસ નંબર GJ.18.Z.5966 લકઝરી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઇવર અને ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં 108 એમ્બયુલન્સ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પાંચેય ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલ ખસેડાયા હતા.

તેમાંથી બે વ્યક્તિને દાખલ કરવામાં આવ્યા હતા અને ત્રણ વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માતના આ બનાવ અંગે ધોળકા રૂરલ પોલીસે એસટી બસના ડ્રાઈવર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.