દુર્ઘટના@વડોદરા: ચાંદોદ રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે 12 વર્ષીય દીપડાનું મોત

 
દીપડો

જેને પગલે ગ્રામજનો તેમજ રાત્રીએ ખેતરમાં જતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યભરમાં દીપડાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે અનેક વખત રહેણાંક વિસ્તારોમાં પણ દીપડાના આંટાફેરા જોવા મળતા હોય છે. દીપડા રહેણાંક વિસ્તારમાં આવી જતાં તેમની સાથે દુર્ઘટના પણ સર્જાઈ જતી હોય છે. માર્ગ અકસ્માતમાં દિપડાના મોતના અનેક અહેવાલ પણ સામે આવી ચૂક્યા છે, ત્યારે ડભોઈના ચાંદોદ ખાતેથી આવી જ એક ઘટના સામે આવી છે.

 

ચાંદોદ પાસેના નિમાન ગામડી ઓરસંગ નદી ઉપરના રેલવે બ્રિજ ઉપરથી મૃત દીપડો મળી આવ્યો હતો. જેને પગલે રેલવે તંત્ર દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ મામલે માહિતી મળતાની સાથે વન વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક NGOની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં ટ્રેનની અડફેટે દીપડાને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.

ઉનાળાની સિઝન શરૂઆત થઈ રહી છે. ત્યારે નદીમાં પાણી નું સ્તર ઘટતા દીપડા જેવા પ્રાણીઓ પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવતા હોય છે. જેને પગલે ગ્રામજનો તેમજ રાત્રીએ ખેતરમાં જતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો છે. ચાંદોદ રેલવે ટ્રેક પર દીપડાનો મૃતદેહ મળતા વન વિભાગ દ્વારા મૃત દીપડાનું પોસ્ટમોર્ટમ કરી અધિકારીને સાથે રાખી દીપડાના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.