દુર્ઘટના@અમદાવાદ: મોરૈયામાં બે ખાનગી કંપનીઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ નજીક આવેલા મોરૈયા ગામે આજે વહેલી સવારે બે ખાનગી કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.મોરૈયા ગામે આવેલી ‘પિનાગ્સ’ અને ‘શ્રી હરિ પેપર’ નામની બે કંપનીઓમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. પેપર અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફરી મચી ગઈ હતી.
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલમાં આગ પર કાબૂ મેળવવા માટે અમદાવાદ, સાણંદ અને બાવળા ફાયર વિભાગની ટીમો સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહી છે. ફાયર ફાઈટરની 5 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પાણીનો મારો ચલાવી રહી છે. ચાંગોદર પોલીસનો કાફલો પણ મોરૈયા પહોંચી ગયો છે. પોલીસે સુરક્ષાના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દીધો છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

