આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર કુંદનિકા કાપડિયાનું આજે વલસાડ ખાતે નિધન થયું છે. ‘સાત પગલાં આકાશમાં’ અને ‘પરમ સમીપે’ તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. 1985માં તેઓને ‘સાત પગલા આકાશમાં…’ નવલકથા માટે સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતી ભાષાના જાણીતા લેખિકા કુંદનિકા કાપડિયાનું વલસાડના નંદીગ્રામ ખાતે નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા અને તા. 29 એપ્રિલના રોજ મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં એમના પ્રદાન બદલ તેમને સાહિત્ય એકેડેમી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સાત પગલાં આકાશમાં અને પરમ સમીપે તેમના ખૂબ જ વખણાયેલા અને વંચાયેલા સર્જનો છે. હવે કાયમી વિદાય લેતા આઠમું પગલું તેમણે અનંતવાસ તરફ માંડ્યું છે, એવું કહી શકાય.

તેઓ ઘણા વર્ષોથી વલસાડના નંદીગ્રામ ખાતે આશ્રમમાં રહેતા હતા. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે ‘નંદીગ્રામ’ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. જ્યાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા. મકરંદ દવે ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા.

કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડીમાં 11 જાન્યુઆરી 1927ના રોજ થયો હતો. કુંદનિકા કાપડિયા 1955 થી 1957 સુધી ‘યાત્રિક’ અને 1962 થી 1980 સુધી ‘નવનીત’નાં સંપાદક પણ રહી ચૂક્યા હતા. 1987માં મકરંદ દવે તેમના પત્ની કુંદનિકા કાપડિયા સાથે વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી.

એમના લગ્ન જાણીતા લેખક મકરંદ દવે સાથે થયા હતા. એ પણ ખૂબ સારા લેખક અને નિબંધકાર હતા. જ્યારે પણ ગુજરાતી સાહિત્યમાં મહિલા લેખિકાઓની ચર્ચા થશે ત્યારે એમનું નામ એક સન્માન સાથે લેવાશે. કુંદનિકા કાપડિયા પણ ખૂબ સારા નવલકથાકાર, વાર્તાકાર અને નિબંધકાર હતા. તા. 1 જાન્યુઆરી, 1927ના રોજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે એમનો જન્મ થયો હતો. જ્યારે પ્રાથમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે લીધું હતું. ત્યારબાદ ભાવનગરની શામળદાસ કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો. રાજકારણ અને ઈતિહાસ વિષય સાથે B.A.થયા બાદ મુંબઈની સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાંથી M.A. થયા હતા.

જાણીતા સાહિત્યલક્ષી મેગેઝિન ‘નવનીત’ના તેઓ વર્ષ 1962થી 1980 સુધી અને 1955થી 1957 સુધી તેઓ ‘યાત્રિક’ના સંપાદક રહી ચૂક્યા છે. ‘પ્રેમના આંસુ’, ‘સાત પગલાં આકાશમાં’, ‘વધુ ને વધુ સુંદર’, ‘જવા દઈશું તમને’, ‘કાગળની હોડી’, ‘મનુષ્ય થવું છે’, ‘પરોઢ થતા પહેલા’, ‘અગનપિપાસા’ એ જાણીતી કૃતિ છે. તેઓ 93 વર્ષનાં હતાં અને વર્ષોથી આદિવાસી ઉત્થાનનાં કાર્યો સાથે સંકળાયેલા હતા. તેમના નિધનના સમાચારથી ગુજરાતી સાહિત્ય જગત તથા વાચકોને ભારે આઘાત પહોંચ્યો છે. સ્ત્રી સશક્તિકરણ પરનું એમનું પુસ્તક ‘સાત પગલાં આકાશમાં’ની અનેક વખત સાહિત્ય મેળાઓમાં ચર્ચા થઈ છે. એવું કહી શકાય કે, તેઓ સ્વર્ગસ્થ નહીં પણ શબ્દસ્ત થયા છે. કારણ કે, ગુજરાતી ભાષા-સાહિત્યને એક નવા પાસા અને વિષય આપ્યા છે. એમની કેટલીક કૃતિઓ પર Ph.D પણ થયેલું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code