વળાંક@વડગામ: કથિત સરપંચ બની આપ્યું રાજીનામું, આરોપી શોધવા કવાયત
અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)
વડગામ તાલુકાના ગામે બનાવટી સરપંચ બની તાલુકા પંચાયતને રાજીનામું અપાયુ હતુ. જેની જાણ સાચા સરપંચને થતા પગતળે જમીન ખસી ગઇ હતી. રાજીનામાની વાત વાયુવેગે પંથકમાં ફેલાઇ જતા બધા ગામોના સરપંચો ભેગા થઇ ફરીયાદ કરવા તંત્રને રજૂઆત કરી છે. મેપડા બાદરપુરા ગૃપ ગ્રામપંચાયતના લેટરપેડ ઉપર કોઇ ઇસમે સરપંચનું રાજીનામું ધરી દીધુ હતુ. તાલુકામાં બેનામી સરપંચ ઉભા થતા સરપંચ એશોસીએશને રજૂઆત કરી છે.
બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકામાં અજીબોગરીબ ઘટના બાદ ગામડાની નેતાગીરી મુંઝવણમાં મુકાઇ છે. બેનામી સરપંચો લેટરપેડ મેળવી સાચા સરપંચ સામે જંગે ચડયા છે. અગાઉ મેપડા બાદરપુરા ગૃપ ગ્રામપંચાયતના સરપંચના લેટરપેડનો દૂરુપયોગ કરીને સરપંચનુ રાજીનામું ધરી દીધુ હતુ. જેથી સોમવારે આરોપી શખ્સ સામે કાર્યવાહી કરવા સરપંચ એશોસીએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગામમાં સરપંચ વિરૂધ્ધ કોઇ ઇસમને ગુસ્સો હોવાનો, ખોટી રમત રમી પરેશાન કરવાનો કે દોડધામ કરાવવાનો આશય હોઇ શકે છે. ઇસમે સરપંચનો લેટરપેડ મેળવી રાજીનામાનું લખાણ તૈયાર કરી તાલુકામાં ખલબલી મચાવી દીધી છે. જેની સામે બધા સરપંચો ભેગા થઇ નેતાગીરી જોખમમાં હોવાનો મૂડ પારખી બનાવટી સરપંચો વિરૂધ્ધ લાલઘુમ બન્યા છે.