આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

ઉંઝા ગંજબજારમાં સત્તાપલટો કરાવવા શરૂ થયેલી મહેનતની અસર દેખાઇ રહી છે. નવિન છ મંડળીઓની નોંધણીના વિવાદ વચ્ચે સોમવારે રાત્રે સુનાવણી ગોઠવી અપીલ અધિકારીએ મનાઇ હુકમ ઉઠાવી લીધો છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, સમગ્ર ગતિવિધિ મામલે ચેરમેન ગૌરાંગ પટેલ સહિતના અત્યંત લાલઘુમ હોઇ સત્તાપલટો કરાવવા નાણાકીય સોદાબાજીની આશંકાઓ ઉભી થઇ છે.

દેશના સૌથી મોટા ઉંઝા ગંજબજારનો વહીવટ કબજે કરવા અને કરાવવા છેક પ્રદેશ કક્ષાએથી મહેનત ચાલુ હોવાનું સામે આવ્યુ છે. નવિન છ મંડળીઓના મતદારો દાખલ કરવાની સુનાવણી વચ્ચે નાયબ સચિવ(અપીલ) ઘ્વારા નોંધણી યથાવત રાખવા નકકી કર્યુ છે. આથી મંગળવારે જાહેર થયેલ પ્રથમ મતદાર યાદીમાં મકતુપુર, બ્રાહ્મણવાડા, ઉપેરા, ટુંડાવ, વિશોળ અને રણછોડપુરા મંડળીનો કામચલાઉ સમાવેશ થઇ ગયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે,ભાજપના પુર્વ ધારાસભ્ય નારણભાઇ પટેલ અને તેમના પુત્ર ગૌરાંગ પટેલના જૂથ સામે ભાજપના પ્રદેશ મહામંત્રીના સગાનું જૂથ છે. જો વિવાદાસ્પદ છ મંડળીઓના મતદારો જોડાય તો ગૌરાંગ પટેલને મોટી ટકકર મળે તેમ છે. આથી ગૌરાંગ પટેલ સહિતના મંડળીઓ બોગસ હોવાનો દાવો કરી અમાન્ય કરાવવા મથી રહયા છે. સત્તારૂઢ ગૌરાંગ પટેલના જૂથ પાસેથી ઉંઝા ગંજબજારનો કબજો લઇ ભાજપની વિચારધારાના અન્ય જૂથને આપવાની વેતરણ કરવા પાછળ મોટા પ્રમાણમાં નાણાકીય સોદાબાજી થઇ હોવાની આશંકા બની છે.

ઉંઝા ભાજપના દિગ્ગજ નેતા અને ઉમિયાધામના અગ્રણી નારણભાઇ પટેલને રાજય સરકાર અથવા પ્રદેશ ભાજપ સાથે સંબંધો બગડયા કે પછી એકબીજાની અપેક્ષાઓ સંતોષવામાં નિષ્ફળતા મળી તે સહિતના કારણોને લઇ સત્તાપલટો કરવા મહેનત ચાલી રહી છે.

આ છ મંડળીઓનો છે વિવાદ

1. મકતુપુર પરા વિસ્તાર સેવા સહકારી મંડળી
2. બ્રાહ્મણવાડા પરા વિસ્તાર સેવા સહકારી મંડળી
3. ઉપેરા મહિલા સેવા સહકારી મંડળી
4. ટુંડાવ મહિલા સેવા સહકારી મંડળી
5. સરદાર સેવા સહકારી મંડળી – રણછોડપુરા
6. વિશોળ મહિલા સેવા સહકારી મંડળી

પ્રાથમિક મતદાર યાદીના મતદારો

1. ખેડુત વિભાગ – 667
2. ખરીદ વેચાણ વિભાગ – 38
3. વેપારી વિભાગ – 2160

ઉંઝા ગંજબજારની ચૂંટણી વિલંબમાં જઇ શકે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉંઝા ગંજબજારની ચૂંટણી છેક એપ્રિલ મહિનામાં છે ત્યારે આ દરમ્યાન લોકસભાની પણ ચૂંટણી યોજાવાની સંભાવના જોતા ગંજબજારની ચૂંટણી વિલંબમાં જઇ શકે તેવી પ્રબળ સંભાવના છે. આ તમામ ગતિવિધિ જોતા એક સંભાવના એવી પણ છે કે, બગડેલા સંબંધો લોકસભા ચૂંટણીમાં સુધરી પણ શકે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code