અપડેટ@ભાવનગર: ઝેરી દારૂકાંડથી હાહાકાર, વધું 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 11 થયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગર નકલી દારૂકાંડમાં અત્યારસુધીમાં 61 જેટલાં લોકોનું ઝેરી દારૂ પીવાથી સ્વાસ્થ્ય બગડ્યું છે. જેમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 16 વ્યક્તિ માંથી 10ની હાલત અત્યંત ગંભીર છે. આ દરમિયાન ભાવનગરથી સુરત આવેલા બ્રેઈનડેડ સંજયસિંહ ડોડિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, ત્યારે આજે શનિવારે વધુ ત્રણ દર્દીના મોત થતાં મૃત્યુઆંક 11 થયો છે. કેસની ગંભીરતાને પગલે પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ 21 શખસો સામે ગુના નોંધી 13 આરોપીઓની ધરપકડ કરી છે.
ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે લોકોના મોતનો આંકડો વધી રહ્યો છે, ત્યારે શનિવારે સવારે સર ટી. હોસ્પિટલમાં હાર્દિક હરેશ કિલજી(ઉં.વ.35)નું દારૂ પીધાના પાંચમા દિવસે સારવાર દરમિયાન મોત નીપજ્યું. જ્યારે ઘોઘા રોડ ખાતે રહેતા અને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અવિનાશ પરમારનું પણ મોત થયું છે.મૂળ ભાવનગરના પાલિયાદના વતની અને સુરતના અઠવા લાઈન્સ ખાતેની કોલેજમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સંજયસિંહ ડોડિયા(ઉં.વ.37) દારૂ પીધા બાદ તબિયત લથડી હતી. જેમાં સંજયસિંહની તબિયત અત્યંત નાજુક થતાં ભટોદરા ખાતેની હોસ્પિટલમાં બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેવામાં 22 ઓગસ્ટે અચાનક જ હૃદય બંધ થતાં ડૉક્ટરે સંજયસિંહને મૃત જાહેર કર્યો છે.
ભાવનગર નકલી દારૂકાંડ મામલે પોલીસે 21 આરોપીઓ સામે ગુના નોંધી 13 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસના આધારે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયા છે. આ ઘટનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે. એસએમસીની ટીમે નકલી દારૂકાંડના મુખ્ય આરોપી ‘રઈશ’ને પોલીસ બંદોબસ્ત વચ્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 31મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
એસએમસી દ્વારા કરવામાં આવનાર તીક્ષ્ણ તપાસમાં આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોના છત્રછાયા હેઠળ આ કાળો કારોબાર ફાલ્યો-ફૂલ્યો અને આ નકલી દારૂકાંડ પાછળ બીજા કયા મોટા માથાંઓ સંકળાયેલા છે તેવા અનેક ચોંકાવનારા ઘટસ્ફોટઓ થવાની પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે. પીવાના દારૂમાં મુખ્ય આલ્કોહોલ હોય છે. તેના બદલે અથવા તેની સાથે મિથેનોલ જેવા અયોગ્ય ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ થાય ત્યારે જોખમ જીવલેણ બની શકે છે.

