અપડેટ@દેશ: પેપર લીક મામલે પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પ્રહાર, 'કોંગ્રેસનો યુવાનોને ભડકાવવાનો પ્રયાસ’
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
NEET પરિક્ષાનું પેપર ફૂટ્યા બાદ દિલ્હીમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને લઈને ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે આકરા આક્ષેપો કર્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે કોંગ્રેસ દેશના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. પેપર લીક જેવા ગંભીર મુદ્દાને રાજકીય રંગ આપીને કોંગ્રેસ પોતાના રાજકીય હિતો સાધવા માગે છે.ભાજપના પ્રદેશ પ્રમુખે આરોપ લગાવ્યો કે પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દાને કોંગ્રેસ રાજકીય લાભ માટે ઉપયોગમાં લઈ રહી છે.
તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવાને બદલે વિરોધ પક્ષ આ મુદ્દાને વધુ ઉગ્ર બનાવી સરકાર વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.તેમણ કહ્યું કે આવા મહત્વના મુદ્દાઓ પર સંસદમાં રચનાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ. પરંતુ કોંગ્રેસ સંસદમાં ચર્ચા કરવાને બદલે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ, આ પ્રકારની રાજનીતિ દેશના લોકશાહી માહોલ માટે યોગ્ય નથી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે આંદોલન પ્રત્યે સરકારનું વલણ શરૂઆતથી જ સંવેદનશીલ રહ્યું છે. તેમણે દાવો કર્યો કે 20 જુલાઈ સુધી સરકારે કોઈ કડક કાર્યવાહી કરી નહોતી અને આંદોલનકારીઓ સાથે મુલાકાત કરીને તેમની રજૂઆતો પણ સાંભળી હતી. સરકાર દ્વારા સંવાદના માધ્યમથી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.
તેમણ વધુમાં કહ્યું કે હાલ વિપક્ષી પક્ષોમાં આંદોલનને પોતાના પક્ષ તરફ ખેંચવાની હોડ જોવા મળી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો યુવાનોના પ્રશ્નોના ઉકેલ કરતાં રાજકીય લાભ મેળવવામાં વધુ રસ દાખવી રહ્યા છે. ભાજપે સ્પષ્ટ કર્યું કે સરકાર વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવા પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે આવી ઘટનામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવું, દોષિતોને કડક સજા આપવી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકારે તાત્કાલિક ત્રણેય દિશામાં કાર્યવાહી કરી હતી. 12 મેના રોજ શિક્ષણ મંત્રાલયે FIR પણ નોંધાવી હતી.

