અપડેટ@દિલ્હી: બેઠક બાદ મામલો વધુ ગરમાયો, CJPએ કેન્દ્ર સરકારને 24 કલાકનું આપ્યું અલ્ટીમેટમ
શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી આંદોલનની ચીમકી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્ર સરકાર અને CJP વચ્ચે યોજાયેલી બેઠક બાદ મામલો વધુ ગરમાયો છે. CJPએ કેન્દ્ર સરકારને શિક્ષણ મંત્રીના રાજીનામા અંગે નિર્ણય લેવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.જો આ સમયગાળામાં રાજીનામું નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવાની ખુલ્લી ચીમકી આપવામાં આવી છે.
આજે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારત સરકારે CJPની 2 મુખ્ય માગણીઓ પર પોતાની સંમતિ દર્શાવી દીધી છે. જોકે, મુખ્ય વિવાદના મૂળ એવા શિક્ષણ મંત્રીના રાજીનામા અંગે સરકારે વિચારણા કરવા માટે સમય માગ્યો છે. આ મુદ્દે સરકાર શનિવારે પોતાનો સત્તાવાર જવાબ આપશે. જે માટે શનિવારે બપોરે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પોલીસ કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને કોર્ટે સ્વીકારી લીધી છે.
સુપ્રીમ કોર્ટ આ મામલે સોમવારે સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે, જેનાથી સરકાર પર કાનૂની દબાણ પણ વધી ગયું છે.CJP ના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો શનિવારે બપોરે યોજાનારી બેઠકમાં સરકાર શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સ્વીકારશે નહીં, તો આ આંદોલન માત્ર દિલ્હી પૂરતું સીમિત નહીં રહે પરંતુ સમગ્ર દેશમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.

