અપડેટ@દેશ: પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમયાત્રા શરૂ, 11.45 કલાકે નિગમબોધ ઘાટ ખાતે થશે અંતિમક્રિયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતના પૂર્વ વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.
એઆઈસીસી ખાતેથી હવેથી પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ લઈ જવામાં આવી રહ્યો છે. તેમની અંતિમ યાત્રા શરૂ થઇ ચૂકી છે. ત્યાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. તેમની અંતિમ વિધિમાં વડાપ્રધાન મોદી પણ જોડાશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવ દેહને AICC ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેને એક કલાક માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત પીએમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અંતિમ વિદાય આપવા માટે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના હેડક્વાર્ટર પહોંચવા લાગ્યા છે.
અત્યાર સુધીમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખ્ખુ, કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા પણ પહોંચી ગયા છે. કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાર્યકરો અને જનતા ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે તેમનો પાર્થિવદેહ સવારે 8 કલાકે કોંગ્રેસ મુખ્યાલય લવાશે. ત્યાંથી 9:30 કલાકે તેમની અંતિમ યાત્રા નીકળશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ ક્રિયા સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શનિવારે સવારે 11:45 કલાકે નિગમબોધ ઘાટ ખાતે કરાશે. આ જ સ્થળે તેમની સમાધી પણ બનાવાશે.