અપડેટ@ગાંધીનગર : મેશ્વો નદીમાં ન્હાવા પડેલા 8 યુવકોના મોત મામલે ચોંકાવનારી વિગતો આવી સામે, જાણો

 
અપડેટ
4 કરોડના ખર્ચે એક ડેમસાઈટ તૈયાર કરવામાં આવી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દહેગામમાં ગણેશ વિસર્જન સમયે ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ગણેશ વિસર્જન માટે ગયેલા વાસમા સોગઠી ગામના એકસાથે 8 યુવાનોના ડૂબવાથી મોત થયા છે. આ સમગ્ર ઘટનામાં પહેલા એક યુવક ડૂબ્યો હતો અને તેને બચાવવા માટે તેનો મોટો ભાઈ પણ નદીમાં કુદ્યો હતો અને તે પણ ડૂબવા લાગ્યો હતો. આ પ્રકારે એક બાદ બચાવવા પડેલા 10 પૈકી 8 યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા.

ગામ લોકોના કહેવા મુજબ હાલ જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને પણ ચોંકાવનારી બાબતો સામે આવી છે. વાસણા સોગઠી ગામે મેશ્વો નદી નજીક 4 કરોડના ખર્ચે એક ડેમસાઈટ તૈયાર કરવામાં આવી રહી છે. આ ડેમનુ હાલ કામ ચાલી રહ્યુ હતુ અને વચ્ચેના પટમાં પૂરાણ કરવાનુ બાકી હતું ત્યાંથી જ પાણીનો ધસારો નદીના પટમાં આવવાને કારણે ત્યાંથી માટી નીચે ધસી ગઈ હતી. પાણીના પ્રવાહમાં માટી ધસી જતા ઉંડાણનો અંદાજ ન યુવકોને ન હતો અને એ જ કારણે યુવકો વહેણમાં ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

ગામલોકોનું કહેવુ છે કે અહીં મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન માટે આ યુવાનો આવ્યા હતા અને એકતરફ વિસર્જનની વિધિ ચાલી રહી હતી અને એક યુવક નદીમાં ન્હાવા પડ્યો હતો. જ્યારે તંત્ર એવુ જણાવી રહ્યુ છે કે યુવાનો વિસર્જન માટે આવ્યા ન હતા તેઓ ન્હાવા માટે આવ્યા હતા. ગામલોકોનું કહેવુ એવું છે કે તમામ બાળકો ગામના જ છે અને કેટલાય સમયથી નદી તો અહી જ છે. ગણેશ વિસર્જન માટે જ બાળકો નદીએ ગયા હતા અને એ સમયે જ પૂજા ચાલતી હતી ત્યારે એક યુવક ન્હાવા પડ્યો હતો અને તેને બચાવવા જતા અન્ય યુવાનો ડૂબ્યા હતા.