અપડેટ@ગુજરાત: જેશ-એ-મોહમ્મદ દ્વારા 100થી વધુ યુવાનોને ભટકાવવાનો આતંકી પ્લાન નિષ્ફળ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદ દ્વારા 100થી વધુ સ્થાનિક યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સક્રિય કરવાનું એક મોટું ષડયંત્ર રચાયું હતું, જેનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ નેટવર્ક અંતર્ગત મદ્રાસાઓમાં જેહાદી સાહિત્ય વહેંચીને યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, જેથી રાજ્યમાં બોમ્બ બ્લાસ્ટ જેવી મોટી હિંસક ઘટનાઓને અંજામ આપી શકાય.એટીએસની ટીમે સમયસર તપાસ હાથ ધરીને મુખ્ય આતંકવાદીઓ સહિત તેમના સમગ્ર નેટવર્કને ઝડપી લીધું છે.
જેશ-એ-મોહમ્મદના આકાઓ દ્વારા ગુજરાતના 100થી વધુ સ્થાનિક યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ વાળવા અને તેમને સક્રિય કરવા માટેનું એક ચોક્કસ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું. આ નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોનું ધાર્મિક કટ્ટરતા તરફ બ્રેઈનવોશ કરીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં જોડવાનો હતો.આ નેટવર્ક અત્યંત ગુપ્ત રીતે પોતાનું કામ કરી રહ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે કેટલીક મદ્રાસાઓ અને ચોક્કસ વિસ્તારોમાં જેહાદી સાહિત્ય અને ભડકાઉ સામગ્રીવહેંચવામાં આવતી હતી. યુવાનોના મનમાં કટ્ટરતાના બીજ વાવીને તેમને દેશની વ્યવસ્થા સામે ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવતા હતા. સોશિયલ મીડિયા અને પર્સનલ મીટિંગ્સ દ્વારા યુવાનોને આ ભ્રમિત માર્ગે ચાલવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા.
ગુજરાત ATSની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને આ સમગ્ર મોડ્યુલના મુખ્ય આતંકવાદીઓ અને તેમની સાથે જોડાયેલા નેટવર્કને ઝડપી લીધા છે. તેમની પાસેથી વાંધાજનક ડિજિટલ પુરાવા અને સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે. આ પર્દાફાશ બાદ જે સૌથી ચોંકાવનારી વિગત સામે આવી છે તે એ છે કે, આ નેટવર્ક માત્ર યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું જ કામ નહોતું કરતું, પરંતુ તેઓ ગુજરાતમાં મોટા પાયે બોમ્બ બ્લાસ્ટ અને હિંસક ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં હતા. રાજ્યની શાંતિ અને સલામતી જોખમાય અને જાનમાલનું મોટું નુકસાન થાય તેવું ભયાનક કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. જો કે, આ ષડયંત્ર તેના અંતિમ તબક્કા સુધી પહોંચે તે પહેલાં જ એજન્સીઓએ તેના પર પાણી ફેરવી દીધું છે. હાલમાં ATSની ટીમ પકડાયેલા શંકાસ્પદોની સઘન પૂછપરછ કરી રહી છે. આ નેટવર્કને ફંડિંગ ક્યાંથી મળતું હતું, સ્થાનિક સ્તરે તેમને કોણ મદદ કરી રહ્યું હતું અને પાકિસ્તાન બેઠેલા આકાઓ સાથે તેમનો સંપર્ક કઈ એપ્લિકેશન દ્વારા થતો હતો તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ATSના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની અને અન્ય કેટલાક સ્થાનિક સાગરીતોની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે.

