અપડેટ@સુરત: સગીરા પર બળાત્કાર કરનારા ત્રણેય નરાધમ ઝડપાયા, લોકોમાં ભારે આક્રોશ

 
કાર્યવાહી
પોલીસે સામૂહિક દુષ્કર્મના ત્રણેય પરપ્રાંતીય આરોપીને દબોચી લીધા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

સુરતના મોટા બોરસરાંમાં હવસખોરોએ વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના મિત્રએ ગ્રામજનોને જાણ કરતાં સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. મહિલા સુરક્ષાના લીરેલીરાં ઉડી ગયા છે. રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે બોરસરાંની સીમમાં બેઠી હતી. ત્યારે અચાક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા.

 

દુષ્કર્મના આરોપીએ મહિલાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી મૂક્યો હતો અને મોબાઇલ સુદ્ધાં ઝૂંટવી લીધો હતો. જેથી તે કોઇનો સંપર્ક કરી શકે નહી. વાત અહીં જ અટકી ન હતી ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે.

 

પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું હતું. જોકે ગણતરીના કલાકોમાં પોલીસે સામૂહિક દુષ્કર્મના ત્રણેય પરપ્રાંતીય આરોપીને દબોચી લીધા છે. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે. મોડી રાતથી જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પીડિતાના મેડિકલ ચેકઅપની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં સગીર તેમજ તેના મિત્રને કોઇ ગંભીર ઇજાઓ પહોંચી નથી. બે-ત્રણ તમાચા માર્યા હોવાનું જાણવા મળ્યું છે.